પંચકર્મ શું છે?
પંચકર્મ આયુર્વેદની એક વિશિષ્ટ પ્રકારની સારવારની રીત છે. સામાન્ય રીતે કોઇ પણ રોગ માં આપણે દવાઓ લઇએ છીએ, કે જે દવાઓથી તે રોગના કારણરૂપ કચરો ધીમે ધીમે શરીરમાં ઓછો થાય છે. જ્યારે પંચકર્મ સારવાર વડે એ કચરો એકીસાથે શરીરની બહાર કાઢી નાખવામાં આવે છે. જેવી રીતે મેલા કપડાને ધોવાથી તેમાં રહેલા ડાઘ – અશુદ્ધિઓ દૂર થઇ જાય તેવી જ રીતે પંચકર્મથી શરીરની સાફસફાઇથી શરીરની અંદર રહેલ કચરો દૂર થઇ જાય છે. આયુર્વેદ મુજબ વાયુ-પિત્ત-કફ એ રોગ કરનારા કારણોમાં મુખ્ય છે, આ ત્રણેયને દોષ કહેવામાં આવેલ છે. આ દોષોના મુખ્ય સ્થાન રૂપ જે ભાગ કહ્યા છે, તે ભાગમાંથી પંચકર્મ દ્વારા તે દોષને દૂર કરવામાં આવે છે.
- વમન: ઊલટી દ્વારા વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા
- વિરેચન: ઝાડા દ્વારા વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા
- બસ્તી: મળમાર્ગ વાટે ઔષધીય દ્રવ્ય શરીરમાં દાખલ કરીને વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા
- નસ્ય: નાક વાટે ઔષધીય દ્રવ્ય શરીરમાં દાખલ કરીને વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા
- રક્તમોક્ષણ: લોહીમાં વધેલા દોષોને વિવિધ રીતે દૂર કરવાની પ્રક્રિયા
- રોગ કેવી રીતે થાય છે? એની સારવારમાં પંચકર્મની શું ભૂમિકા?
આહાર-વિહારમાં અયોગ્ય આચરણથી કે આગંતુક કારણથી શરીરમાં રહેલા શારીરિક અને માનસિક દોષોમાં વધ-ઘટ થાય છે. અને એ દોષોના સ્થાન અને તીવ્રતા અનુસાર વિવિધ રોગ ઉત્પન્ન થાય છે. પંચકર્મ દ્વારા રોગ થવાની આ પ્રક્રિયાને તોડવામાં મદદ થાય છે. એક તો જે મલ રૂપ કચરો એકઠો થાય તે પંચકર્મથી દૂર કરી શકાય છે. જેથી રોગની શરૂઆતનુ કારણ દૂર થાય છે. બીજુ ચયાપચયમાં જે ગડબડ ઉભી થઇ હોય તેને પંચકર્મથી દૂર કરી શકાય છે. ઉપરાંત પંચકર્મ કરાવ્યા બાદ શરીરના મૂળભૂત બંધારણના ઘટકોમાં જે વિકૃતિ આવી હોય તે દૂર થઇને સામાન્ય અને પ્રાકૃત અવસ્થામાં આ ઘટકોનું નિર્માણ કરી શકાય છે.
- સ્વસ્થ વ્યક્તિ પંચકર્મ કરાવી શકે?
પંચકર્મ શરીર- શુદ્ધિની પ્રક્રિયા છે. જે રોગને અટકાવવામાં મદદરૂપ થાય છે. એટલે કોઈ રોગ થાય એની પહેલા જ આગમચેતી રૂપે નિયમિત પંચકર્મ કરવાથી નીરોગી રહી શકાય છે.
કન્સલ્ટિંગ આયુર્વેદ પંચકર્મ ફીઝિશિયન,
નાડી ચિકિત્સક, પેઈન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ
Appointment: 9099 587 627
Comments
Post a Comment