सर्वे सन्तु निरामयाः। (આયુર્વેદ દિવસ વિશેષ)

આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ!


આમ તો દરેક ભારતીય આયુર્વેદને જાણે છે, રોજબરોજના જીવનમાં આયુર્વેદના સિદ્ધાંતોને જાણેઅજાણે અપનાવે છે! પણ શું તમે જાણો છો આ આયુર્વેદ ક્યાંથી આવ્યું?

દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું. અને એ સમુદ્રમંથનના ફળ સ્વરૂપે અમૃત કળશ લઈને અવતર્યા ભગવાન ધન્વંતરિ અને સાથે લાવ્યા શાશ્વત અને પુણ્યકારી એવું આયુર્વેદ! આજે ધનતેરસ એટલે ધન્વંતરિ જયંતિ.

આયુર્વેદ એ માત્ર ચિકિત્સા પદ્ધત્તિ નથી પણ જેના આધારે આખું જીવન જીવી શકાય એવું શાસ્ત્ર છે. આયુર્વેદ સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું અને રોગીને નિરોગી કેવી રીતે બનાવવું એ તો સમજાવે જ છે પણ સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ સુધી દોરી જાય છે. આયુર્વેદમાં દિનચર્યા, ઋતુચર્યા, વેગધારણ જેવા વિશેષ કોન્સેપ્ટ છે જેને હવે આધુનિક વિશ્વ ધીરે ધીરે સ્વીકારી રહ્યું છે.

આયુર્વેદને લઈને લોકોમાં ઘણી માન્યતાઓ છે. જેમકે,
આયુર્વેદની દવાઓ આડઅસર કરે નહિ.
આયુર્વેદ તો જૂના રોગો માટે છે.
આયુર્વેદથી રોગ જડમૂળથી નીકળી જ જાય.
દાદીમાનાં નુસખા વગેરે જ આયુર્વેદ છે.
અને આવું તો ઘણું બધું.

પણ હકીકતમાં આયુર્વેદની દવાઓ પણ આડઅસર કરે છે. (જો જાતે જ, કોઈ વૈદ્ય, ડોક્ટરને બતાવ્યા વગર લેવામાં આવે તો) આયુર્વેદ સારવારથી માત્ર જૂના જ નહિ એક્યુટ (નવા ઉદ્ભવેલા) રોગની સારવાર પણ થઈ શકે છે, કોરોના દરમિયાન ઘણા દર્દીઓને માત્ર આયુર્વેદ દવાઓથી સાજા થઈ જતાં જોયા છે એને કર્યા પણ છે. આયુર્વેદથી રોગ જડમૂળથી મટી જાય એ વાત દરેક કેસમાં સાચી પડતી નથી. આયુર્વેદમાં પણ અસાધ્ય(મટે નહીં એવા રોગો) અને યાપ્ય(જીવનભર દવા ચાલુ રાખવી પડે) રોગોનો કોન્સેપ્ટ છે. અને આયુર્વેદ માત્ર દાદીમાં ના નુસખા કે ઘરગથ્થુ ઉપાયો તો નથી જ, હા કોઈ સામાન્ય બીમારી માટે આ ઉપાયો કારગર નિવડે છે પણ માત્ર એ જ આયુર્વેદ છે એવું માની લેવું એ મૂર્ખામી છે.
આયુર્વેદમાં 'पुरुषं पुरुषं वीक्ष्य' નો સિદ્ધાંત છે. અર્થાત્ દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિથી વિશેષ છે અને એટલે દરેક વ્યક્તિની પ્રકૃતિ પણ જુદી જુદી જ હોવાની. એટલે દરેકને થતો રોગ વ્યક્તિ એ વ્યક્તિ એ વિશેષ હોવાનો અને એક સમાન રોગ માટે વ્યક્તિએ વ્યક્તિએ ઔષધ પણ જુદું હોવાનું. એટલે જ આયુર્વેદ ચિકિત્સક રોગીના શરીર વિશે, એની જીવનશૈલી વિશે પૂરતી માહિતી એકઠી કરીને પછી જ દવા આપતા હોય છે. પણ તમારી આ વિશેષતા એક આયુર્વેદ ચિકિત્સક જ ઓળખી શકે, નહિ કે મેડિકલ સ્ટોરમાં બેઠેલી વ્યક્તિ! અને ફલાણાભાઈને જે દવાથી સારું થયું એનાથી તમને સારું ન પણ થાય!

આમ તો આયુર્વેદને ઓળખવું એટલે અંધ-ગજ ન્યાય (આંધળા દ્વારા હાથીને ઓળખવું!). દરેક વ્યક્તિ, અભ્યાસ કે ચિકિત્સક પોતાની બારીમાંથી આયુર્વેદને જુએ છે અને આયુર્વેદ કેવું છે એ કહે છે. પણ આયુર્વેદ ખૂબ વિશાળ અને વિશેષ શાસ્ત્ર છે જેને સંપૂર્ણપણે સમજવા માટે આપણું આયુષ્ય અને બુદ્ધિ બંને અપૂરતા છે.

આજે ધન્વંતરિ જયંતીના ભગવાન ધન્વંતરિનું પૂજન કરીએ અને પ્રાર્થના કરીએ, "सर्वे भवन्तु सुखिनः,सर्वे सन्तु निरामयाः।"

જય ધન્વન્તરિ

Comments

Popular posts from this blog

પંચકર્મ શું છે?

આયુર્વેદ શું છે?

Drumstick or Magic stick?